એકતરફ ઉનાળાની સિઝનમાં સમગ્ર કચ્છ અને ભુજ સળગી રહ્યું છે, અને અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે ત્રાહિમામ પોકાર જોવા મળી રહ્યો છે, ત્યારે ભુજ શહેરમાંથી પાણીના વેડફાટના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભુજના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સ્મૃતિવન નજીક પસાર થતી પાણીની મુખ્ય લાઇનના એરવાલ્વમાં મોટું લીકેજ સર્જાતા લાખો લીટર કિંમતી પાણી રસ્તા પર વહી ગયું હતું.


રસ્તા પર ઉડ્યા પાણીના ફુવારા

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભુજ શહેરમાં સ્મૃતિવન જવાના રસ્તા પાસે આવેલી લાઇનના એરવાલ્વમાં અચાનક મોટું લીકેજ પડતાં પાણી ભારે પ્રેશર સાથે બહાર ફેંકાવા લાગ્યું હતું. હાઈ પ્રેશરના કારણે રસ્તા પર પાણીના ઊંચા-ઊંચા ફુવારા ઉડતા જોવા મળ્યા હતા. જોતજોતામાં લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર નદીની જેમ વહેવા લાગ્યું હતું, જેના કારણે વાહનચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી.

તંત્ર ઊંઘતું રહ્યું અને લોકો કાર ધોવા લાગ્યા!

એકબાજુ નગરપાલિકા લોકોને પાણીનો સદ્ઉપયોગ કરવાની સલાહ આપે છે, ત્યારે આ લીકેજની જાણ હોવા છતાં તંત્ર લાંબા સમય સુધી કુંભકર્ણ નિદ્રામાં રહ્યું હતું. પરિણામે રસ્તા પર વહી રહેલા પાણીના ફુવારાનો લાભ ઉઠાવવા સ્થાનિક કાર ચાલકો અને વાહનચાલકો ત્યાં લાઈન લગાવીને ઊભા રહી ગયા હતા. અનેક લોકો ધોળા દિવસે રસ્તા પર મફતમાં વહી રહેલા આ પાણીથી પોતાની મોંઘીદાટ કાર અને બાઇક ધોતા કેમેરામાં કેદ થયા હતા.

પાણીની અછત વચ્ચે તંત્રની ઘોર બેદરકારી

જ્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે તંત્રની આવી બેદરકારીને કારણે લાખો લીટર પાણી ગટરોમાં વહી ગયું છે. સ્થાનિક નાગરિકોમાં આ દ્રશ્યો જોઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને વહેલી તકે આ એરવાલ્વનું સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.


આ પણ વાંચો - Kutchના ટપ્પર ગામમાં LCBનો મેગા દરોડો: વાડીમાં ચાલતા દારૂના 'કટિંગ' પર ત્રાટકી પોલીસ


  • Follow us on: