કચ્છના નલિયામાં આજે સવારથી જ પેટ્રોલ પંપો પર વાહનચાલકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે ટ્રક, ટ્રેક્ટર, કાર અને બાઈક સવારોની લાંબી લાઈનો લાગી હતી. સ્થિતિ એવી સર્જાઈ હતી કે વાહનોની આ કતારો પેટ્રોલ પંપથી છેક હાઈવે સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કલાકો સુધીની પ્રતીક્ષા અને ટ્રાફિકજામ
ઇંધણ મેળવવા માટે વાહનચાલકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. પેટ્રોલ પંપ વિસ્તારોમાં વાહનોની ભારે અવરજવર અને લાંબી લાઈનોને કારણે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી રાહ જોવી પડતા વાહનચાલકોમાં રોષ અને પરેશાની જોવા મળી હતી. અચાનક વધેલી આ ભીડને સંભાળવામાં પેટ્રોલ પંપના સંચાલકોને પણ નાકે દમ આવી ગયો હતો.
