કચ્છના મુન્દ્રા શહેરમાં આજે ભરબપોરે ફિલ્મી ઢબે લૂંટનો પ્રયાસ અને ફાયરિંગની ઘટના બનતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. મુન્દ્રાના વ્યસ્ત ગણાતા બારોઇ રોડ પર આવેલા 'રૂદ્રાક્ષ જ્વેલર્સ'માં બાઇક પર આવેલા લૂંટારુઓએ ધોળા દિવસે ત્રાટકીને ફાયરિંગ કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. બારોઇ રોડ પર આવેલી રૂદ્રાક્ષ જ્વેલર્સ નામની પેઢીમાં સોની વેપારી પોતાની દુકાને હાજર હતા, ત્યારે અચાનક બાઇક પર સવાર થઈને લૂંટારુઓ ત્રાટક્યા હતા.
આરોપીઓએ ફાયરિંગ કરી લૂંટનો કર્યો પ્રયાસ
લૂંટારુઓએ વેપારીને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું અને સોના-ચાંદીના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરિંગના અવાજથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, લૂંટારુઓના હથિયાર જોઈ ડરી જવાને બદલે સોની વેપારીએ અપ્રતિમ હિંમત બતાવી હતી. વેપારીએ લૂંટારુઓનો પ્રતિકાર કર્યો હતો અને તેમાંથી એક આરોપીને જીવના જોખમે ઝડપી પાડ્યો હતો.













