કચ્છ જિલ્લાનો મુખ્ય ગણાતો ચાઇના ક્લે (China Clay) ઉદ્યોગ હાલમાં એક નવી ટેકનિકલ મુસીબતમાં ફસાયો છે. સરકાર દ્વારા ખનીજ પરિવહન માટે ફરજિયાત કરવામાં આવેલી GPS સિસ્ટમ નેટવર્ક કનેક્ટિવિટીના અભાવે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહી છે. જેના વિરોધમાં ચાઇના ક્લે એસોસિએશને કલેક્ટર અને ખાણ-ખનીજ વિભાગના દ્વાર ખખડાવ્યા છે.
ચાઇના ક્લે નવી ટેકનિકલ મુસીબતમાં ફસાયો
સરકારી નિયમ મુજબ, ખનીજ ચોરી રોકવા માટે દરેક ટ્રક પર GPS સિસ્ટમ હોવી અનિવાર્ય છે અને તેના આધારે જ ઓનલાઇન રોયલ્ટી ઇશ્યૂ કરવામાં આવે છે. પરંતુ કચ્છના અનેક અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક કનેક્ટિવિટીનો મોટો પ્રશ્ન છે.નેટવર્ક ન હોવાને કારણે GPS સિસ્ટમ સર્વર સાથે કનેક્ટ થઈ શકતી નથી.પરિણામે, ટ્રકોની ઓનલાઇન રોયલ્ટી નીકળતી નથી અને કાયદેસર રીતે ટ્રકો રવાના થઈ શકતી નથી. નેટવર્કના ધાંધિયાને કારણે કચ્છમાં હાલમાં હજારો ટ્રકોના પૈડાં થંભી ગયા છે. ચાઇના ક્લેનું પરિવહન અટકી જતાં ઉદ્યોગકારોને દૈનિક કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ટ્રક ચાલકો, મજૂરો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની રોજીરોટી પર સંકટ ઉભું થયું છે.










