પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાતમીના આધારે ત્રાટકીને ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વેચવાના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ અધિકૃત પરમિટ કે સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર જથ્થાબંધ ગેસની બોટલોનો સંગ્રહ કરી તેનું વેચાણ કરી રહ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ 174 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.
આરોપીની 174 ગેસની બોટલ સાથે ધરપકડ
પોલીસે આ મામલે હિરેન ટાંક નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી લાંબા સમયથી કોમર્શિયલ ગેસની બોટલો ગેરકાયદેસર રીતે મેળવીને જરૂરિયાતમંદ વેપારીઓ કે એકમોને ઊંચા ભાવે પહોંચાડતો હતો. રહેણાંક કે બિનસત્તાવાર જગ્યાએ આટલી મોટી માત્રામાં જ્વલનશીલ ગેસનો સંગ્રહ કરવો એ સ્થાનિક લોકો માટે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી હતો, જેની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
