આજે જ્યારે સમગ્ર દેશ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત ગુજરાતનું નડાબેટ દેશભક્તિના અદભૂત માહોલમાં તરબોળ જોવા મળ્યું હતું. સરહદના સંત્રી એવા BSF દ્વારા અહીં શૌર્ય અને શિસ્ત સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
IG અભિષેક પાઠક દ્વારા ધ્વજવંદન
નડાબેટ ખાતે આયોજિત આ ગૌરવશાળી કાર્યક્રમમાં ગુજરાત BSFના IG અભિષેક પાઠકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યુ હતુ. તિરંગો લહેરાતાની સાથે જ વાતાવરણ ભારત માતાકી જય અને વંદે માતરમના નારાઓથી ગૂંજી ઉઠ્યુ હતુ.સીમાવર્તી વિસ્તારમાં સૈનિકોનો ઉત્સાહ જોઇને ત્યાં દરેક નાગરિકની છાતી ગજગજ ફૂલી ગઇ હતી.
બાળકો અને બાઈક રાઈડર્સનું આકર્ષણ
આ વર્ષની ઉજવણીમાં માત્ર સૈનિકો જ નહીં, પરંતુ સામાન્ય જનતાનો જોશ પણ કાબિલેદાદ હતો. દેશભક્તિના રંગે રંગાવા માટે મોટી સંખ્યામાં બાળકો નડાબેટ પહોંચ્યા હતા.સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સાહસિક બાઇક રાઇડર્સ હતા. જેઓ આ ખાસ દિવસની ઉજવણી માટે બાઇક રેલી સ્વરૂપે સરહદે પહોંચ્યા હતા. બાઇકર્સના જોશ અને બાળકોના નિર્દોષ દેશપ્રેમે બોર્ડર પર એક અનોખો માહોલ સર્જાયો હતો.
શૌર્ય અને સમર્પણનો સંદેશ
પાકિસ્તાન સરહદની બિલકુલ નજીક યોજાયેલી આ ઉજવણી દુશ્મન દેશને ભારતની એકતા અને અખંડિતતાનો મજબૂત સંદેશ આપે છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમે સાબિત કર્યું કે ભલે ગમે તેટલી વિષમ પરિસ્થિતિ હોય, ભારતીય સૈનિકો અને નાગરિકોનો રાષ્ટ્રપ્રેમ હંમેશા અડગ રહે છે.
આ પણ વાંચોઃ Vav Tharad: 77માં પ્રજાસત્તાક પર્વે ભારતના ભવિષ્યના મનની વાત, કેવું હશે આવતીકાલનું ભારત?