કચ્છના જખૌ નજીક આવેલા ખિદરત ટાપુ પાસે સ્ટેટ આઈબી (IB), એસઓજી (SOG) અને જખૌ મરીન પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન દરિયાકાંઠેથી શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને અહીંથી ડ્રોનનો કાટમાળ અને એક શંકાસ્પદ ASI સિસ્ટમ મળી આવી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
લોકેશન ટ્રેક સિસ્ટમથી સુરક્ષા એજન્સીઓ સતર્ક
પ્રાપ્ત વિગતો અનુસાર, જે ASI સિસ્ટમ મળી આવી છે તેનો ઉપયોગ સામાન્ય રીતે લોકેશન ટ્રેક કરવા અથવા લોકેશન જાણવા માટે કરવામાં આવતો હોય છે. સરહદી દરિયાઈ વિસ્તારમાં આવી ટેકનિકલ સિસ્ટમ અને ડ્રોનનો કાટમાળ મળવો એ સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બાબત માનવામાં આવી રહી છે. આ સિસ્ટમ કોની છે અને ક્યાંથી અહીં પહોંચી તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
