કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના કચ્છ પ્રવાસ દરમિયાન ભારત-પાકિસ્તાનની અત્યંત સંવેદનશીલ દરિયાઈ સરહદ 'હરામીનાળા' વિસ્તારની વહેલી સવારે મુલાકાત લીધી હતી. વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા આ ક્રિક વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રીએ જાતે સ્પીડ બોટમાં સવાર થઈને ભારત-પાક બોર્ડર પર પેટ્રોલિંગ કર્યું હતું. તેમની સાથે સરહદ સુરક્ષા દળ (BSF) ના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હાઈ-ટેક કેમેરા ફીડનું બારીકાઈથી અવલોકન
આ પ્રવાસ દરમિયાન અમિત શાહે સીમા સુરક્ષાને વધુ સચોટ બનાવવા માટે બીએસએફના આઉટ પોસ્ટ (OP) ટાવર-1170 નજીક સ્થાપિત કરવામાં આવેલા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીએ કંટ્રોલ રૂમમાં હાઈ-ટેક પીટીઝેડ (PTZ) કેમેરાની લાઈવ ફીડનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ આધુનિક કેમેરા સિસ્ટમ સરહદ પારથી થતી કોઈપણ પ્રકારની શંકાસ્પદ હલચલને પકડી પાડવામાં સક્ષમ છે, જેના ઓપરેશન અંગે તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.
