કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે વીજ તંત્રની નબળી કામગીરીના ધજાગરા ઉડ્યા છે. આજે ભચાઉની ભરચક મુખ્ય બજારમાં અચાનક વીજ વાયરોમાં શોર્ટ સર્કિટને કારણે પ્રચંડ ધડાકા થતા અફરાતફરી મચી ગઈ હતી. ગ્રાહકો અને વેપારીઓથી ધમધમતી બજારમાં હવામાં લટકતા વાયરોમાં થયેલા આ વિસ્ફોટને કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બજારના મધ્યમાં થયેલા આ ધડાકાએ વીજ કંપનીની પ્રી-મોન્સૂન કામગીરી અને મેન્ટેનન્સ સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
અસહ્ય તાપ અને વીજ ધાંધિયાથી જનજીવન અસ્તવ્યસ્ત
કચ્છમાં હાલ સૂર્યદેવ આકરા પાણીએ છે અને તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આવી અસહ્ય લૂ અને કાળઝાળ ગરમીમાં છેલ્લા એક અઠવાડિયાથી ભચાઉમાં વારંવાર વીજળી ગુલ થઈ જવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને બીજી તરફ વીજ કંપનીના ધાંધિયાને કારણે ઘરોમાં પંખા કે એસી ચાલતા નથી, જેને પરિણામે નાના બાળકો, બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધોની હાલત અત્યંત કફોડી બની છે. રાત્રિના સમયે પણ વીજળી ન હોવાને કારણે લોકો ઊંઘ વિનાની રાતો પસાર કરવા મજબૂર બન્યા છે.
