કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોપડવા ગામ નજીક એક પ્લાસ્ટિકના વાડામાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.

પ્લાસ્ટિકના વાડામાં એકાએક ભીષણ આગ

આગ લાગતાની સાથે જ સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ભચાઉ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આગ એટલી વિકરાળ હતી કે અન્ય ફાયર સ્ટેશનો પરથી પણ ટીમોને મદદ માટે બોલાવવામાં આવી હતી.

મોટી દુર્ઘટના ટળી

આગના સ્થળે પ્લાસ્ટિકના જથ્થા વચ્ચે 4 ગેસ સિલિન્ડર પણ પડેલા હતા. જોકે, ફાયર વિભાગની સતર્કતાને કારણે સમયસર આ સિલિન્ડરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેનાથી એક મોટો બ્લાસ્ટ અને જાનહાનિ થતી અટકી હતી.પ્લાસ્ટિકનો જથ્થો વધુ હોવાથી આગને સંપૂર્ણપણે ઠારતા અંદાજે 3 થી 4 કલાક જેટલો સમય લાગી શકે તેમ છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ફાયર ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે.

આ પણ વાંચો: Surat: પાંડેસરા GIDCમાં અપહ્યત વેપારીને છોડાવાયો, વેપારી પ્રશાંત સરવૈયાનું પાંચ લોકોએ અપહરણ કર્યું હતું