સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં આવેલા પલટાની વ્યાપક અસર કચ્છના નાના રણમાં પણ જોવા મળી છે. આજે અચાનક ત્રાટકેલા મિની વાવાઝોડા જેવા માહોલ અને કમોસમી વરસાદે (માવઠું) રણ વિસ્તારમાં વસતા અગરિયાઓ અને મીઠાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલીમાં મસમોટો વધારો કર્યો છે.

સોલાર પેનલોને ભારે નુકસાન

નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી.