કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાંથી સરકારી જમીન પરના ગેરકાયદેસર કબ્જા વિરૂદ્ધ તંત્ર દ્વારા એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને વર્ષો જૂનું ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યું છે. આ મેગા ઓપરેશન દરમિયાન તંત્ર દ્વારા લાખો રૂપિયાની કિંમતની સરકારી જમીનને કબ્જામુક્ત કરાવીને ખુલ્લી કરવામાં આવી છે.

દાઉદ ભચુનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

સિનુગ્રા ગામની સરકારી જમીન પર લાંબા સમયથી દાઉદ ભચુ કકલ નામના સ્થાનિક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી રાખવામાં આવ્યો હતો. આ મામલે વહીવટી તંત્રને ફરિયાદ મળતાં કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉ આ ગેરકાયદેસર દબાણ મામલે જવાબદાર આસામીને સત્તાવાર નોટિસ આપીને દબાણ સ્વૈચ્છિક રીતે હટાવી લેવા માટે જાણ કરવામાં આવી હતી. જોકે, નોટિસ બાદ પણ દબાણ ન હટતાં તંત્રએ આખરે કડક વલણ અપનાવ્યું હતું.

5184 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલાને સાથે રાખીને વહીવટી તંત્રની ટીમ સિનુગ્રા ગામે ત્રાટકી હતી અને મજબૂત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. તંત્રના બુલડોઝરોએ ગણતરીના કલાકોમાં જ આશરે 5,184 ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીન પર કરાયેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. બજાર કિંમત અનુસાર આ આશરે રૂ.16.77 લાખની કિંમતની કિંમતી સરકારી જમીન હોવાનું સામે આવ્યું છે, જેને હવે સંપૂર્ણપણે ખુલ્લી કરાવીને સરકાર હસ્તક લેવામાં આવી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો