લખતર-વિરમગામ હાઇવે પર આવેલા પ્રસિદ્ધ કેથળા હનુમાનજી મંદિર પાસે આજે સવારે આઇસર ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીકઅપ ચાલકને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આઇસર ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરથી વિજય રાજુભાઈ અઘારા નામના ચાલક સિમેન્ટની થેલીઓ ભરીને આઇસર ટ્રક લઈને વિઠલગઢ ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઇવે પર ટ્રકનું ટાયર પંચર પડતા ડ્રાઇવરે રોડની સાઈડમાં વાહન ઊભું રાખ્યું હતું અને ટાયર બદલી રહ્યા હતા. તે જ સમયે ચોટીલાથી કેરીની પેટીઓ ભરીને પૂર ઝડપે વિરમગામ તરફ જઈ રહેલી પીકઅપ વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે આઇસરની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.
