લખતરના ઢાંકી ગામે રહેતા દંપતી રાતના સમયે ઘરના ફળીયામાં સુતા હતા. ત્યારે તસ્કરોએ ઘરની ઓશરીમાં આવેલ 2 રૂમમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂપીયા 6.92 લાખની મત્તાની ચોરી કરી હતી. બનાવની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ડોગ સ્કવોડ સાથે ધસી જઈ તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી છે.
લખતર તાલુકાના ઢાંકી ગામે આવેલ જુના રામદેવપીરના મંદિર પાસે 45 વર્ષીય મનસુખભાઈ કમશુભાઈ બાંભણીયા રહે છે. ગત તા.26-6ના રોજ તેમનો પુત્ર વિજય મિત્રો સાથે દ્વારકા દર્શને ગયો હતો. આથી ઘરે મનસુખભાઈ અને તેમના પત્ની સજ્જનબેન હતા. રાતના સમયે વાળુ કરીને દંપતી ઘરના ફળીયામાં ખાટલા નાંખીને સુતા હતા. જયારે ઘરમાં ઓશરીમાં આવેલ બે રૂમમાં માત્ર નકુચો બંધ કર્યો હતો. તા. 27મીના રોજ વહેલી સવારે 5 કલાકે ખેતરે કપાસ છોરવા જવાનું હોવાથી જાગીને જોતા બન્ને રૂમના દરવાજા ખુલ્લા હતા. જયારે તીજોરીનો સામાન અસ્તવ્યસ્ત હતો. જેમાં તપાસ કરતા મનસુખભાઈના પત્ની અને પુત્રવધુના ઘરેણાની ચોરી થઈ હતી. જયારે તપાસ કરતા તસ્કરો સોનાનુ કડુ, નખલી, ઝાંઝરી, ચાંદીના છડા, ચાંદીની કંઠી, સોનાનું મંગળસુત્ર, બાજુબંધ, ચેન, વીંટી સહિત રૂપીયા 6.84 લાખના સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપીયા 8 હજાર લઈ ગયા હતા. બનાવની જાણ લખતર પોલીસને થતા પીઆઈ વાય.પી.પટેલ સહિતનો પોલીસ સ્ટાફ ડોગ સ્કવોડ સાથે ઢાંકી ધસી ગયો હતો. અને તપાસ આદરી હતી. આ અંગે મનસુખભાઈએ અજાણ્યા શખ્સો સામે લખતર પોલીસ મથકે રૂ. 6.92 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવતા તસ્કરોનું પગેરૂ મેળવવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.










