ઝાલવાડ પંથકમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર મુખ્ય નર્મદા કેનાલ જાણે આત્મહત્યા માટેનું એપીસેન્ટર બની ગઈ હોય તેમ અવારનવાર માનવ મૃતદેહો મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે લખતર તાલુકાના જ્યોતિપરા પાસે પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ રાહદારીઓને થઈ હતી. રાહદારીઓએ તાત્કાલિક આ અંગે લખતર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ફાયર ફાઈટર અને તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કઢાયો
કેનાલના ઉંડા પાણીમાં મૃતદેહ હોવાથી લખતર પોલીસ દ્વારા સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ જ્યોતિપરા કેનાલના પુલ પાસે તરતા આ અજાણ્યા પુરુષના મૃતદેહને પાણીની બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
