સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કળમ ગામે ખુશીનો માહોલ એકાએક માતમના મનાજરમાં ફેરવાઈ ગયો છે. મામાના દીકરાના લગ્નમાં હોંશે-હોંશે મુંબઈથી આવેલો 21 વર્ષીય યુવાન ગામના તળાવમાં ન્હાવા પડતા ડૂબી ગયો હતો, જેને કારણે પરિવારમાં લગ્નની શરણાઈઓ વચ્ચે આક્રંદ છવાઈ ગયું છે.
લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં
મળતી માહિતી મુજબ, મૂળ દશાળા તાલુકાના ખારાઘોડા ગામનો વતની અને હાલ મુંબઈ સ્થિત સુભાષભાઈ રાજેશભાઈ ઓગણીયા (ઉંમર વર્ષ ૨૧) પોતાના મામાના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે લખતરના કળમ ગામે આવ્યો હતો. લગ્નની ધામધૂમ વચ્ચે સુભાષ ગામના તળાવમાં ન્હાવા માટે ગયો હતો.
તરતા ન આવડતું હોવાથી સર્જાઈ કરૂણાંતિકા
સુભાષ જ્યારે તળાવમાં ન્હાવા પડ્યો ત્યારે તેને પાણીના ઉંડાણનો અંદાજ રહ્યો નહોતો. યુવકને તરતા આવડતું ન હોવાથી તે ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. યુવક ડૂબી રહ્યો હોવાની જાણ આસપાસના ગ્રામજનોને થતા જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક તળાવમાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ સુભાષના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
પરિવારમાં કરૂણ કલ્પાંત
ઘટના બાદ યુવકના મૃતદેહને તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ લગ્નવાળા ઘરે શોકનું મોજું ફરી વળ્યું હતું. જે ઘરમાં થોડી વાર પહેલા લગ્નના ગીતો ગવાતા હતા, ત્યાં હવે પરિવારજનોનું હૃદયદ્રાવક રુદન સંભળાઈ રહ્યું હતું.
આ પણ વાંચો:ગાંધીધામમાં ઓટલે બેસવા જેવી નજીવી બાબતે આધેડને ડીઝલ છાંટી જીવતા સળગાવ્યા, સારવાર દરમિયાન મોત