આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી મહાનાયકોના અમૂલ્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ખાતે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણાએ જણાવ્યું હતું કે, તા.1લી નવેમ્બરથી 15 મી નવેમ્બર સુધી સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. વર્ષ 2021 માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 મી નવેમ્બરના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. સરકાર દ્વારા પીએમ-જનમન યોજના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં આદિજાતિ પરિવારો માટે 2,934 મકાનો મંજૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આદિવાસી મહિલા સ્વસહાય જૂથો માટે જોહાર કેફે, ઉત્પાદનોના વેચાણ માટે શબરી બ્રાન્ડ, વન ધન વિકાસ કેન્દ્રો, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ અને શિષ્યવૃત્તિ જેવી અનેકવિધ કલ્યાણકારી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાને ઉજાગર કરતું મંજીરા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને મહાનુભાવોના વરદ હસ્તે ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. આ સાથે જ તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડિયા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પી.કે. પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન ભગીરથસિંહ રાણા, જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો