લીંબડી પોલીસે લસણની આડમાં દારૂ ભરેલ ટ્રકનો પીછો સાયલા સુધી કરીને ચાલકને દારૂ, બિયર, ટ્રક, લસણ, મોબાઈલ સહિત રૂ. 29.36 લાખની મત્તા સાથે ઝડપી લીધો છે. આ બનાવમાં દારૂ મંગાવનાર ગોંડલના બુટલેગર સહિતનાઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. લીંબડી પીએસઆઈ વી.એમ.કોડીયાતર, જયપાલસિંહ ડોડીયા, કમલેશભાઈ લકુમ સહિતનાઓને હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રકમાં લસણની આડમાં વિદેશી દારૂ રાજકોટ તરફ જતો હોવાની બાતમી મળતા નેશનલ હાઈવે પર પરશુરામ ધામ નજીક વોચ રાખી હતી. જેમાં ફુલસ્પીડે જતો એક ટ્રક શંકાસ્પદ લાગતા તેનો પીછો કરી થોડે આગળ તેને અટકાવી તપાસ કરાઈ હતી. જેમાં લસણની આડમાં વિદેશી દારૂ મળી આવતા ચાલકને ટ્રક પોલીસ મથકે લઈ લેવા જણાવેલ પરંતુ ચાલકે ટ્રક ફુલસ્પીડમાં રાજકોટ તરફ હંકારતા પોલીસે પીછો કર્યો હતો. અને સાયલા પોલીસને જાણ કરી હતી. જેમાં સાયલા પોલીસના વરદાનસિંહ પરમાર સહિતનાઓએ બ્રીજથી આગળ ટ્રાફીક જામ થતા ટ્રકને રોકી લીધો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી 408 દારૂની બોટલ અને 2472 બીયરના ટીન મળી આવ્યા હતા. જયારે ચાલક જુનાગઢના માળીયા હાટીનાના જહદકા ગામના આમદ જેમલભાઈ લાખાની પુછપરછ કરતા રાજસ્થાનથી આ દારૂ જોન્ટી નામના શખ્સે ભરી આપ્યો હતો. અને ગોંડલના મોન્ટી કીશોરને આપવાનો હતો. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ, 10,712 કિલો લસણ સહિત રૂ. 29,36,501ની મત્તા જપ્ત કરી લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. જયારે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ઘર હો તો ઐસા પાછળ જીનના ખુલ્લા મેદાનમાં ર શખ્સો દારૂ સાથે હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 80 ફુટ રોડ પરની કમલ પાર્ક સોસાયટીમાં રહેતો ભાવીક જયેશકુમાર શેઠ અને ગોકુલ પાર્કમાં રહેતો રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા જયંતીભાઈ વડેશા વિદેશી દારૂના 2 ચપલા, 2 બીયરના ટીન, એકટીવા, મોબાઈલ સહિત રૂ.60,680ની મત્તા સાથે પકડાતા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: