મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત સમગ્ર પંથકમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા ખેતી પર મોટું સંકટ તોળાઈ રહ્યું હતું. સમયસર વરસાદ ના પડવાને કારણે ડાંગરની ખેતી કરતા ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે. ડાંગરના પાક માટે શરૂઆતના તબક્કે પાણીની પુષ્કળ જરૂરિયાત હોય છે, પરંતુ મેઘરાજાએ વિરામ લેતાં ખેડૂતોનો તૈયાર કરેલો મોલ જોખમમાં મુકાયો છે.
મહીસાગર જિલ્લામાં શરૂઆતમાં સારા વરસાદ બાદ લાંબા સમયથી મેઘરાજા ગાયબ થઈ જતાં આ કપરા સમયમાં લુણાવાડાના ધરતીપુત્રોએ પરંપરાગત રીતે વરસાદની રાહ જોઈ બેસી રહેવાના બદલે પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કર્યો છે. ખેડૂતોએ નજીકમાંથી વહેતી નદીના પાણી તેમજ એગ્રીકલ્ચર (સિંચાઈ) માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. નદીમાંથી પમ્પિંગ કરીને અને ઉપલબ્ધ સરકારી તેમજ ખાનગી સિંચાઈ સુવિધાઓના સહારે ખેડૂતોએ ડાંગરના પાકનું ધરુરૂપ (ધરુવાડિયું) સફ્ળતાપૂર્વક આપી દીધું છે. વરસાદ મોડો પડતાં સિઝન નિષ્ફ્ળ જવાનો ભય હતો. પરંતુ નદીના પાણી અને એગ્રીકલ્ચર લાઈનનો ઉપયોગ કરીને ડાંગરનું ધરુ વાવી દીધું છે, જેથી વરસાદ આવે ત્યારે અમારો પાક મોડો ના પડે. હવે જો આગામી દિવસોમાં સારો વરસાદ થઈ જાય, તો અમારો આ પરિશ્રામ સાર્થક થશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. આમ, કુદરતની અવકૃપા સામે લુણાવાડાના ખેડૂતોએ પોતાની મહેનત અને સંસાધનોના જોરે ડાંગરના પાકને જીવતદાન આપવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. હાલમાં આ વિસ્તારોમાં લીલાછમ ધરુવાડિયાં જોઈને અન્ય ખેડૂતોમાં પણ આશાનો સંચાર થયો છે. હવે માત્ર આ પંથકમાં સાર્વત્રિક વરસાદની પ્રતીક્ષા સેવાઈ રહી છે.
