લુણાવાડા મોટા સોનેલા ખાતે આવેલી સરકારી આઇ.ટી.આઇ.માં આચાર્યની ઘોર બેદરકારી અને ગેરવર્તનને કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વાઇબ્રન્ટ ગુજરાતના પ્રવાસે જતા વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારી દેવાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હાઇવે પર ચક્કાજામ કરી દેતાં અફરાતફરી મચી જવા પામી હતી.
વડોદરાની GSFC અને પારુલ યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ એક્ઝિબિશનની શૈક્ષણિક મુલાકાત માટે ફ્ટિર-B 3 સહિતના વિવિધ ટ્રેડના આશરે 230 જેટલા વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યા હતા. આચાર્યની સૂચના મુજબ ખાનપુર, કડાણા અને સંતરામપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ વહેલી સવારે 07:30 વાગ્યે સંસ્થા પર પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ 3 એસ.ટી. બસની વ્યવસ્થા કરવાની હોવા છતાં, માત્ર એક જ બસમાં 50 વિદ્યાર્થીઓને વડોદરા રવાના કરાયા હતા, જ્યારે અન્ય બસમાં બેસી ગયેલા વિદ્યાર્થીઓને અચાનક જ નીચે ઉતારી મૂકાયા હતા. ઉપરાંત, બાકીના વિદ્યાર્થીઓને પણ પ્રવાસમાં લઈ જવાની સ્પષ્ટ ના પાડી દેવાઈ હતી. આ મામલે જ્યારે વિદ્યાર્થીઓએ વહેલી સવારથી હેરાન થવા અંગે પ્રશ્ન કર્યો ત્યારે પ્રિન્સિપાલે સંતોષકારક જવાબ આપવાને બદલે ક્ષ્તમે લોકો ઘરે જતા રહોખ્ તેવો જવાબ આપતાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ લુણાવાડા-સોનેલા રોડ પર હાઇવે જામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ITI લુણાવાડા વિદ્યાર્થી યુનિયને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સાથે આવું ગેરવર્તન ન થાય તેની ખાતરી સાથે જવાબદાર આચાર્ય સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે.
