મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલી શ્રી સજ્જન કુંવરબા હાઇસ્કૂલ (જે ટૂંકમાં એસ. કે. હાઇસ્કૂલ તરીકે ઓળખાય છે) માત્ર એક શાળા નથી, પરંતુ આ વિસ્તારના શિક્ષણની ગંગોત્રી છે.
લુણાવાડાના રજવાડા શાસન અને રાજવી પરિવારના શિક્ષણ પ્રત્યેના અપ્રતિમ અભિગમની સાક્ષી પૂરતી આ શાળા આજે પણ એક મજબૂત સ્તંભ તરીકે ઊભી છે.
આ શાળાનો ઇતિહાસ આશરે દોઢ સદી જેટલો જૂનો છે. હાલમાં આ શાળા પોતાની સ્થાપનાના 148 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આઝાદી પહેલાં, જ્યારે આ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ નહિવત હતી, ત્યારે લુણાવાડા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા આ પ્રદેશના બાળકો આધુનિક શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા આશયથી આ શાળાની શરૂઆત કરવામાં આવી હતી.
આ શાળાના ઇતિહાસનું સૌથી સોનેરી પાનું એ છે કે લુણાવાડાના રાજવી પરિવારના આદરણીય સભ્યા મહારાણી સજ્જન કુંવરબાના નામ પરથી આ શાળાનું નામકરણ કરવામાં આવ્યું છે. ? એ જમાનામાં સ્ત્ર્રી શિક્ષણ અને સામાન્ય પ્રજાના શિક્ષણ માટે મહારાણી સજ્જન કુંવરબાએ પોતાના વ્યક્તિગત ખર્ચ (પોકેટ મની) માંથી 25000 (પચીસ હજાર રૂપિયા) નું માતબર યોગદાન આપ્યું હતું. તે સમયગાળામાં આ રકમ ખૂબ જ મોટી ગણાતી, જે તેમની શિક્ષણ પ્રત્યેની દીર્ઘદ્રષ્ટિ અને સંવેદનશીલતા દર્શાવે છે. મહારાણી દ્વારા શરૂ કરાયેલ શિક્ષણના આ મહાયજ્ઞની જ્યોત આજે પણ એટલે કે 148 વર્ષ બાદ પણ પ્રજ્જવલિત છે. હાલમાં આ શાળાનું સંચાલન લુણાવાડા કેળવણી મંડળ હસ્તક છે. જેના પ્રમુખ મુનેન્દ્રભાઈ પટેલ છે. શાળા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંલગ્ન સરકારી અનુદાનિત (Government-Aided) સંસ્થા છે, જ્યાં વિજ્ઞાન પ્રવાહ (Science) અને સામાન્ય પ્રવાહ (Arts/Commerce) નું ઉત્કૃષ્ટ શિક્ષણ આપવામાં આવે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો