લુણાવાડા - મલેકપુર - દિવડા કોલોની સ્ટેટ હાઈવે પર ચાકલિયા ક્રોસિંગ નજીક પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી છે. માર્ગ અને મકાન વિભાગની કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી લીધા વિના જ પાણી પુરવઠા વિભાગ દ્વારા રોડની ગ્રાન્ટ-આર.ઓ.ડબલ્યુ.ની હદમાં જ કમ્પાઉન્ડ વોલનું નિર્માણ શરૂ કરી દેવાતાં વિવાદ સર્જાયો છે.
આ અંગેની જાણ થતાં જ મહીસાગર માર્ગ અને મકાન વિભાગના ઈજનેરો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન લુણાવાડા - મલેકપુર - દિવડા કોલોની રોડ કિ.મી. 8/700 થી 8/800 વચ્ચે નિયમો વિરુદ્ધ કમ્પાઉન્ડ વોલનું કામ પ્રગતિમાં હોવાનું માલૂમ પડયું હતું. રોડ પર જ ગેરકાયદેસર રીતે થઈ રહેલા આ બાંધકામને ગંભીરતાથી લઈને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ દ્વારા પરવાનગી વગર ચાલી રહેલી કમ્પાઉન્ડ વોલની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારી વિભાગો વચ્ચેના આ સંકલનના અભાવ અને પાણી પુરવઠા વિભાગની આવી ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિકસ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
