બાલાસિનોર નજીક આવેલા જામીયતપુરા ગામે કેમિકલ વેસ્ટના ઘન કચરાના નિકાલ માટે કાર્યરત કંપની દ્વારા ધારાધોરણ મુજબ કામગીરી ન થવાને કારણે આસપાસના ગામોમાં ભૂગર્ભ જળ દૂષિત થઈ રહ્યા હતા, જે જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો હતો. આ અંગે વિસ્તારના જાગૃત આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી. આગેવાનોની આ રજૂઆતો અને લોકોના આક્રોશને ધ્યાને લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક વલણ અપનાવી મેસર્સ મોર્યો એન્વાયરો પ્રોજેકટ પ્રા. લિમીટેડ ને તત્કાલ અસરથી બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ છેક ગાંધીનગર સુધી મોરચો માંડયો હતો અને આખરે સત્યનો વિજય થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. કંપનીએ સરકારી નીતિ-નિયમોનો ઉલાળિયો કર્યો હતો અને જેના કારણે મામલો ગરમાયો હતો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસ અહેવાલમાં સામે આવ્યું છે કે કંપની દ્વારા પર્યાવરણના તમામ નીતિ-નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું કૂવાના પાણી દૂષિત થયા હતા. પ્લાન્ટમાંથી કેમિકલયુક્ત પ્રવાહી લીક થવાના કારણે આસપાસના વિસ્તારના કૂવાઓ તેમજ ભૂગર્ભ જળ સ્ત્ર્રોતમાં રસાયણો ભળી ગયા હોવાનું સરકારી સેમ્પલિંગમાં સાબિત થયું છે. કમ્પાઉન્ડ વોલમાં ભંગાણ પાડીને અને બહાર કાચા ખાડા ખોદીને કેમિકલયુક્ત દૂષિત પાણી ખુલ્લામાં છોડી દેવામાં આવતું હતું. કેમિકલવાળા પાણીને શુદ્ધ કરવાનો એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માત્ર નામનો જ હતો અને મોટે ભાગે બંધ હાલતમાં રખાતો હતો. કંપનીને 4,85,456 મેટ્રિક ટન કચરાની મંજૂરી હોવા છતાં આશરે 5,40,939 મેટ્રિક ટન જેટલો કચરો ભેગો કરી દેવાયો હતો.
