લુણાવાડા ખાતે યોજાયેલા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોને નિમણૂક હુકમો અપાયા.
મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં શિક્ષકો માટેના બીજા તબક્કાના ઓફ્લાઇન જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન લુણાવાડા સ્થિત BRC ભવન ખાતે કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી પોતાના વતનમાં બદલી મેળવવા માટે રાહ જોઈ રહેલા પ્રાથમિક શિક્ષકોની આતુરતાનો આજે અંત આવ્યો હતો.
આ બદલી કેમ્પમાં જિલ્લાની કુલ 111 ખાલી જગ્યાઓ માટે 637 ઉમેદવાર શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી 95 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા તમામ 95 શિક્ષકોને મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્ર દામા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપા ઝાના વરદ હસ્તે સ્થળ પર જ બદલીના નિમણૂક હુકમો સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષક સંઘ તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો