ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ દ્વારા આયોજિત આગામી દશાબ્દી મહોત્સવના નિમંત્રણ અર્થે ખોડલધામનો પવિત્ર રથ ગધનપુર ગામે આવી પહોંચતા સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ખોડલધામના અગ્રણી સભ્ય હરીશભાઈ પટેલની આગેવાની હેઠળ આયોજિત આ પ્રસંગે વિશાળ સંખ્યામાં માઈભક્તો ઉમટી પડયા હતા.

રથના આગમન સમયે ગામની દીકરીઓ દ્વારા પરંપરાગત રીતે રથના ભવ્ય વધામણાં અને સામૈયું કરાયું હતું. જય ખોડલના નાદ સાથે સમગ્ર ગધનપુર ગામ ભક્તિરસમાં લીન થઈ ગયું હતું. આ પ્રસંગે ગામના વડીલો, માતૃશક્તિ, યુવા મિત્રો તેમજ ખોડલધામ સમિતિ - મહિસાગરના ટ્રસ્ટીગણ અને કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કાગવડ ખાતે યોજાનાર દશાબ્દી મહોત્સવની તા.19, 20 અને 21 જાન્યુઆરીના ત્રિદિવસીય કાર્યક્રમ વિશે માહિતી અપાઈ હતી.