મહીસાગર અને પંચમહાલ જિલ્લાની સરહદને જોડતો અને સ્થાનિક લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ એવો પાનમ નદી પરનો બ્રિજ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત જર્જરિત અને તૂટેલી હાલતમાં છે. મહીસાગર જિલ્લાના ચનસર ગામ અને પંચમહાલ જિલ્લાના ઉંડારા ગામ વચ્ચેથી પસાર થતો આ રસ્તો બંને જિલ્લાના લોકો માટે એક આશીર્વાદરૂપ શોર્ટકટ છે. પરંતુ તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે આ બ્રિજ હજુસુધી નવો બન્યો નથી, જેને કારણે બંને જિલ્લાના ગામો વચ્ચેનો શોર્ટકટ રસ્તો બંધ હાલતમાં છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દર વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થતાં જ નદીમાં પાણીની આવક વધવાથી આ શોર્ટકટ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. પુલ ભારે ક્ષતિગ્રસ્ત હોવાને કારણે લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે અથવા તો ભારે વરસાદમાં બંને જિલ્લા વચ્ચેનો સંપર્ક જ તૂટી જાય છે.
આના કારણે રોજગારી, શિક્ષણ અને આરોગ્ય જેવી ઈમરજન્સી સેવાઓ માટે લોકોને લાંબો ફેરો કરવો પડે છે. પંચમહાલના શહેરા તાલુકાનો છેવાડાનો વિસ્તાર એવા ઉંડારા અને તેની આસપાસના ગામડાના ખેડૂતો તેમજ સામાન્ય લોકો વર્ષોથી તમામ વ્યવહારો અને રોજીરોટી માટે લુણાવાડા પર નિર્ભર છે. આ બ્રિજ ચાલુ હોય ત્યારે લુણાવાડા માત્ર 15 કિ.મી.ના અંતરે જ પડે છે, પરંતુ ચોમાસામાં બ્રિજ તૂટી જવાથી કે પાણી ફરિ વળવાથી લોકોને 25 થી 30 કિ.મી. જેટલો લાંબો ફેરો ફરવો પડે છે.
બંને જિલ્લાના ગ્રામજનોએ સરકાર અને માર્ગ-મકાન વિભાગને તૂટેલા બ્રિજનું સમારકામ કરવા અથવા નવો હાઈલેવલ બ્રિજ બનાવવા માગ કરી છે. આ બ્રિજ બનતાં બંને જિલ્લાના હજારો વાહનચાલકો અને રાહદારીઓનો સમય અને ઈંધણની બચત થશે. સ્થાનિક લોકોને રોજગારી મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે અને આર્થિક વિકાસ વેગવંતો બનશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો