બાલાસિનોર તાલુકાના જમીયતપુરા સીમ વિસ્તારમાં કરવામાં આવી રહેલા કેમિકલ કચરાના ડમ્પિંગના કારણે આસપાસના બોર, કૂવા અને તળાવનું પાણી ભારે પ્રદૂષિત અને કેમિકલયુક્ત બની ગયું છે. આ પ્રદૂષિત પાણીના લીધે સ્થાનિક ખેતી, પશુઓ તેમજ ગ્રામજનોના માનવ સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આ કેમિકલ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરાવવા માટે સ્થાનિકો દ્વારા અવારનવાર ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રસ્તા રોકો આંદોલન અને ધરણાં જેવા વિરોધ પ્રદર્શનો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે કંટાળેલા ખેડૂતો લાલ પ્રદૂષિત પાણીની બોટલો લઈને ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભવન ખાતે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. આ વિરોધ બાદ બે દિવસ પહેલાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે, ગ્રામજનોનો આરોપ છે કે વારંવાર માત્ર સેમ્પલ જ લેવામાં આવે છે પરંતુ કડક કાર્યવાહી કરાતી નથી, જેથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી તેમજ તલાટી-કમ-મંત્રીની ટીમ ડમ્પિંગ સાઇટની તપાસ અર્થે પહોંચી હતી. જ્યાં એકઠા થયેલા ગ્રામજનોએ સાઇટની આસપાસના કૂવાઓ તેમજ તળાવોની પ્રત્યક્ષ તપાસ કરવા અને કાયમી ઉકેલ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. પરંતુ, સ્થાનિકોના સવાલોના સંતોષકારક જવાબ આપવાને બદલે તાલુકા વિકાસ અધિકારી સહિતની અધિકારીઓની ટીમે સ્થળ પરથી ચાલતી પકડી હતી. અધિકારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી આ નિષ્કાળજી અને ભાગી છૂટવાની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર સરકારી તંત્ર અને પંથકમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.
