મહીસાગર જિલ્લાનું ગૌરવ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવો કડાણા ડેમ હાલ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠયો છે. કુદરતી સૌંદર્યનો અભ્દુત નઝારો માણવા માટે અત્યારે રોજબરોજ અંદાજે 1000 જેટલા પ્રવાસીઓ કડાણા ડેમની મુલાકાતે આવી રહ્યા છે. પરંતુ, અહીં આવતા પ્રવાસીઓ અને ભક્તો માટે કડાણા ડેમની નજીક આવેલા ઐતિહાસિક અને પવિત્ર નદીનાથ મહાદેવ મંદિર તરફ્ જવાનો મુખ્ય રસ્તો અત્યંત ગંભીર અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, જે પ્રવાસીઓ માટે ભારે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે.

પ્રવાસીઓ પાસેથી મળતી માહિતી મુજબ, નદીનાથ મહાદેવ મંદિર તરફ્ જતા આ માર્ગ પર લાંબા સમયથી મોટા-મોટા ખાડા પડી ગયા છે અને રસ્તા પરથી કપચીઓ સંપૂર્ણપણે ઉખડી ગઈ છે. ચોમાસાના કારણે ખાડાઓમાં પાણી ભરાતા રસ્તાની સ્થિતિ વધુ દયનીય અને અકસ્માત સર્જનારી બની છે. આ ખરાબ રસ્તાના કારણે અત્યાર સુધીમાં અનેક વાહનચાલકો સ્લિપ થઈ જતાં નાના-મોટા અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. એક તરફ્ ચોમાસાની મોસમમાં ડેમ અને આસપાસનો વિસ્તાર પ્રકૃતિની ચાદર ઓઢીને બેઠો છે, જેને જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે, ત્યારે બીજી તરફ્ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ મુખ્ય પ્રવાસી માર્ગ મરણિયા કૂવાસમાન બની ગયો છે.

આ બાબતે મુલાકાતે આવેલા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે કે, કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ ગંભીર બનેલા રસ્તાનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે અથવા નવો રસ્તો બનાવવામાં આવે, જેથી અહીં આવતા હજારો પ્રવાસીઓની સુરક્ષા જળવાઈ રહે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો