મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડાની આસપાસ આવેલી સિંચાઈ કેનાલો સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી અને આયોજનના અભાવે કચરા અને ઝાડી ઝાંખરાથી પુરાઈ જતાં ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
કડાણા ડેમ આધારિત કડાણા ડાબા કાંઠા નહેર મારફ્તે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના 40 અને લુણાવાડા તાલુકાના 90 મળી કુલ 130 ગામોની 11 હજાર હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.
જો કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ માત્ર મુખ્ય કેનાલોની જ ઉપરછલ્લી સફાઈ કરીને સંતોષ માની લેવાયો છે, જ્યારે મોટાભાગની માઈનોર કેનાલોમાં કચરા અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. હાઇવેની નજીક આવેલી કેટલીક કેનાલો પર દબાણ થઈ જતાં ગાયબ થઈ ગઈ છે.
જેની ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે તમ છે. લુણાવાડા આસપાસની ખેડૂતોને સિંચાઇનું પાણી કોલિયા માઈનોર કેનાલમાં ભૂંગળા નાખીને પૂરી દેવાઈ છે. તેમજ ભૂગર્ભ કેનાલ બનાવવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનું અને તે માટે સરકારમાં પ્રપોઝલ મોકલાઈ હોવાનું જાણવા મળે છે, ત્યારે આ અંગે અધિકારીઓનાં બદલે આ વિસ્તારના ખેડૂતોના અભિપ્રાય લેવામાં આવે તો આ સાચી સ્થિતિ બહાર આવે તેમ છે. આ ગેરકાયદે દબાણો હટાવવા અને કેનાલની સાફ્-સફાઈકરવાના નામે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કાગળ પર ઉધારી ગેરરીતિ કરાતી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
જ્યારે કડાણા ડાબા કાંઠા નહેર અંતર્ગત આવતી પરમપુર માઈનોર કેનાલની સફાઈ ના અભાવે પાણી આગળના ગામો સુધી પહોંચતું જ નથી, અને ઓવરફ્લો થઈને આજુબાજુના ખેતરોમાં ફેલાઈ જાય છે.
આ તમામ સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે. જેથી દબાણો દૂર કરી કેનાલોની સફાઈ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો