ભારતના સ્વતંત્રતા સંગ્રામના બાળવીર શહીદ શિરીષકુમાર મહેતાના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે વર્ષભર જનજાગૃતિ કાર્યક્રમો યોજવા, સ્મારકોનું સંવર્ધન કરવા અને હુતાત્મા ઉદ્યાનને પુનઃ કાર્યરત કરવા માંગ ઉઠી છે. આ મુદ્દે શહીદ શિરીષકુમાર મિત્ર મંડળ દ્વારા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને આવેદન પાઠવવામાં આવ્યું છે.


ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન 9 સપ્ટેમ્બર, 1942ના રોજ નંદુરબારમાં પ્રાણોની આહુતિ આપનાર પાંચ બાળવીરોમાં મુખ્ય શહીદ શિરીષકુમાર મહેતાનું વર્ષ 2026માં જન્મશતાબ્દી વર્ષ હોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ આયોજન ન કરાયું હોવાના આક્ષેપ સાથે શહીદ શિરીષકુમાર મિત્ર મંડળના સંસ્થાપક પ્રમુખ મહાદુ હિરનવાળાએ નંદુરબાર જિલ્લાના મંત્રી હસન મુશ્રીફને આવેદનપત્ર પાઠવ્યું છે. તેની નકલ રાજ્યના મુખ્યમંત્રી તથા બંને નાયબ મુખ્યમંત્રીઓને પણ મોકલવામાં આવી છે. આવેદનમાં જણાવાયું છે કે, 28 ડિસેમ્બર, 2026ના રોજ શહીદ શિરીષકુમાર મહેતાની 100મી જન્મજયંતી છે. આ નિમિત્તે જિલ્લા આયોજન મંડળ તરફ્થી વિશેષ ભંડોળ ફાળવી વર્ષભર સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે. ઉપરાંત નગરપાલિકા, જિલ્લા પરિષદ તથા સરકારી-ખાનગી શાળાઓમાં શહીદના બલિદાન અને કાર્ય અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા મોટા પાયે કાર્યક્રમો યોજવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત જેપીએન હોસ્પિટલ સામે ઉદ્યાન વર્ષોથી બંધ હાલતમાં છે, જ્યારે માણિકચોક સ્થિત સ્મારક આસપાસ ગેરકાયદેસર દબાણો, વાહનોના પાર્કિંગ અને ગંદકીના કારણે તેની પવિત્રતા જોખમાઈ રહી છે. જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ઉદ્યાનને તાત્કાલિક શરૂ કરવા તેમજ સ્મારક પરિસરને સ્વચ્છ અને દબાણમુક્ત બનાવવા માંગ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: