મહેમદાવાદ શહેરમાં ગણેશોત્સવ ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દાદાની વિરાટ અને સુંદર પ્રતિમાઓની ભાવભેર પધરામણી કરાવી સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીને ભાવભર્યું આમંત્રણ આપી બિરાજમાન કરાયા બાદ દર રોજ સવાર-સાંજ દાદાની સેવા, પૂજા, આરતી તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગણેશ મંડપોમાં દાદાને વિવિધ પ્રસાદનો ભોગ ધરાવી ભક્તો ભાવપૂર્વક આરતી ઉતારી રહ્યા છે. ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષથી શહેરના વિવિધ વિસ્તારો ભક્તિમય બની રહ્યા છે.

ગણેશ ચતુર્થીના રોજ પધારેલા ગણેશજીને વિદાય આપવાના અંતિમ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે દાદાના વિવિધ, સુંદર અને મનમોહક સ્વરૂપોના દર્શન માટે ગણેશ મંડપોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. નાના બાળકો, યુવાનો તેમજ વડીલો પરિવાર સાથે દાદાના દર્શને પહોંચી રહ્યા છે. મંડપોના આકર્ષક શણગાર અને રોશની વચ્ચે ભક્તિમય માહોલ સર્જાયો છે. દરમિયાન તા. 25મીએ ગણેશજીનું વિસર્જન થનાર હોવાથી હવે દાદાની વિદાયની ઘડીઓ નજીક આવી રહી છે. બાપ્પાને અંતિમ દર્શન કરી ભાવિકો ભાવુક બની રહ્યા છે. દાદાને ભારે હૈયે વિદાય આપતી વેળાએ ક્કગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજોક્રના નાદથી વાતાવરણ ગુંજી ઊઠશે. શહેરના દરેક ગણેશ મંડપોમાં અંતિમ દિવસોમાં પણ શ્રદ્ધા અને ભક્તિનો રંગ વધુ ઘેરો બન્યો છે.