મહેમિયાદાવાદ શહેર અને તાલુકાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા અને સુવિધાઓના અભાવે આરોગ્ય વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. હોસ્પિટલના કેમ્પસમાં ઠેરઠેર મેડિકલ વેસ્ટ, વપરાયેલી સિરીંજ, બોટલો અને ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતાં હેન્ડગ્લોઝ પડેલા જોવા મળે છે. હોસ્પિટલ પરિસરમાં દારૂની ખાલી બોટલો પણ જોવા મળતાં અનેક સવાલો ઊભા થયા છે. બે વર્ષ પહેલાં રૂ. 85,472ના ખર્ચે બનાવાયેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરમાં પણ કચરો અને ગંદકીના ઢગલા જોવા મળે છે. પીવાના પાણીનો ROપ્લાન્ટ તૂટેલી હાલતમાં છે, જ્યારે બાથરૂમની ગંદકી અને દુર્ગંધ દર્દીઓની મુશકેલીમાં વધારો કરી રહી છે. મહેમિયાદાવાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સ્વચ્છ વાતાવરણ અને પાયાની સુવિધાઓ મળવી જોઈએ, પરંતુ મહેમિયાદાવાદ સરકારી હોસ્પિટલની હાલત સામે આ અપેક્ષા પર સવાલ ઊભા થયા છે. હોસ્પિટલના કેમ્પસમાં વપરાયેલી સિરીંજ, મેડિકલ બોટલો, ઓપરેશન હેન્ડગ્લોઝ, દર્દીઓને બોટલ મારફ્તે પ્રવાહી ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતી બોટલો અને પ્લાસ્ટિકનાં પાઉચ સહિતનો કચરો જ્યાં ત્યાં પડેલો જોવા મળે છે. મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન થતો હોય તેવી સ્થિતિથી ચેપ ફેલાવાનું જોખમ ઊભું થઈ શકે છે. હોસ્પિટલના પરિસરમાં દારૂની ખાલી બોટલો પણ પડેલી છે, જે હોસ્પિટલની વ્યવસ્થા અને દેખરેખ સામે સવાલ ઊભા કરે છે. વધુમાં, બે વર્ષ પહેલાં રૂ. 85,472ના ખર્ચે બનાવવામાં આવેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરમાં દારૂની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, મેડિકલ બોટલો, પાઉચ અને અન્ય કચરો ખડકાયેલો છે. હોસ્પિટલમાં ઠેરઠેર પાનની પિચકારીઓ અને મસાલાની ખાલી કોથળીઓ પણ જોવા મળે છે, જાણે લાંબા સમયથી સફાઈ કરવામાં આવી ન હોય. દર્દીઓ માટે પીવાના પાણીની સુવિધા માટે લગાવવામાં આવેલો ROપ્લાન્ટ તૂટેલી હાલતમાંછે. પાણી લેવા માટેની બારી હોવા છતાં ત્યાં પાણી કે ગ્લાસની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાનું પણ સામે આવ્યું છે. બાથરૂમમાં અસહ્ય ગંદકી અને દુર્ગંધથી દર્દીઓ તથા તેમના સગાંઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તાત્કાલિક સફાઈ, મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ, પીવાના પાણીની સુવિધા અને બાથરૂમની સ્વચ્છતા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.
