પાલાવાસણાથી બાયપાસ સર્કલ તરફ્ જતા મુખ્ય માર્ગની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક વર્ષ કરતાં પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં પાલાવાસણા જનપથથી બાયપાસ સર્કલ સુધીના રોડનું કામ હજુ સુધી પૂર્ણ થઈ શક્યું નથી. આ રોડ પરથી રોજિંદા હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. આ રોડની કામગીરી અધૂરી હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં સતત ધૂળ, સિમેન્ટ અને કપચીની ડમરીઓ ઊડે છે. ખાસ કરીને ટુ-વ્હીલર વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બની ગયું છે. ઉડતી ધૂળ અને રોડ પર પથરાયેલી કપચીના કારણે વાહનો સ્લિપ થવાનો તેમજ અકસ્માત થવાનો ભય સતત સતાવે છે. તંત્ર અને જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી વિલંબિત કામગીરીને પગલે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોની માંગ છે કે, આ મુખ્ય માર્ગનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને ટ્રાફ્કિ અને ધૂળની સમસ્યામાંથી મુક્તિ મળે.
