મહેસાણા મામલતદાર કચેરી ખાતે કાર્યરત તાલુકા જન સેવા કેન્દ્રમાં ફરજ બજાવતા પાંચ કોમ્પ્યુટર ઓપરેટરોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન મળતાં તેઓ ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો અને વિદ્યાર્થીઓને વિવિધ સરકારી દાખલાઓ તથા પ્રમાણપત્રો સમયસર મળી રહે તે માટે સતત કામગીરી કરતા ઓપરેટરોને જ પગાર ન મળતાં કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાનગી એજન્સીના સંચાલકના કારણે વહિવટી તંત્ર બદનામ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, જન સેવા કેન્દ્રમાં ફરજ બજાવતા પાંચેય ઓપરેટરો દ્વારા એજન્સીના જવાબદાર અધિકારીઓ સમક્ષ વારંવાર પગારની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર મામલે વહીવટી તંત્રને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી પગારનો પ્રશ્ન ઉકેલાયો નથી. પરિણામે ઓપરેટરોને ઘરખર્ચ ચલાવવા તેમજ પરિવારનું ભરણપોષણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓપરેટરોના જણાવ્યા અનુસાર, તેઓ પોતાની ફરજ નિયમિતપણે બજાવી રહ્યા છે અને કેન્દ્રમાં આવતા નાગરિકો તથા વિદ્યાર્થીઓની અરજીઓનો સમયસર નિકાલ કરી રહ્યા છે. તેમ છતાં એજન્સી સંચાલકો દ્વારા ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતાં તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ મહેસાણા મામલતદાર કચેરી ખાતે વિવિધ સરકારી દાખલાઓ મેળવવા માટે અરજદારોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. જન સેવા કેન્દ્ર મારફ્તે આવકના દાખલા, નોન-ક્રિમિલેયર પ્રમાણપત્રો, જ્ઞાતિના દાખલા, આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના પ્રમાણપત્રો, વિચરતી-વિમુક્ત જાતિના પ્રમાણપત્રો તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રો સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત રેશનકાર્ડમાં નામ ઉમેરવા અને નવારેશનકાર્ડ મેળવવા જેવી કામગીરી પણ કરવામાં આવે છે. એક તરફ્ જન સેવા કેન્દ્રના ઓપરેટરો નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સમયસર મળે તે માટે સતત કાર્યરત છે, ત્યારે બીજી તરફ્ તેમને જ ત્રણ મહિનાથી મહેનતાણું ન મળવું એ ગંભીર બાબત છે. હવે સંબંધિત એજન્સી અને વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી પાંચેય ઓપરેટરોનો બાકી પગાર ચૂકવવામાં આવે અને ભવિષ્યમાં સમયસર પગાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો