છેલ્લા 18 દિવસથી ચાલતી ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ્ઝ વર્ગ-3 કર્મચારી મંડળની હડતાળનો આખરે અંત આવ્યો છે. મંડળના પ્રમુખ વિજય રાવલે જણાવ્યા અનુસાર, કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે 11, સપ્ટેમ્બરથી પેન ડાઉન કાર્યક્રમ યોજાયો હતો અને 19, સપ્ટેમ્બરે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતા. ત્યારબાદ, 21, સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી હતી. હાલમાં કેબિનેટ મંત્રી અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ગ્રેડ પે બાબતે એક સમિતિની રચના કરવાનો નિર્ણય કરાયો છે. આ સફ્ળ વાતચીત બાદ હડતાળ સમેટી લેવામાં આવી છે અને 9, ઓક્ટોબરથી સિટી સર્વે લેન્ડ રેકોર્ડ્ઝના તમામ કર્મચારીઓ ફરી પોતાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા.મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં કુલ 91,796 અરજીઓ પૈકી 39,015 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જયારે પર,781 અરજીઓ હજુ પેન્ડીંગ છે. છેલ્લા 19 દિવસથી ચાલતી ગુજરાત લેન્ડ રેકોડ્ઝ વર્ગ-3 કર્મચારીઓએ હવે આ પેન્ડીંગ અરજીઓના નિકાલ માટે કામે લાગી ગયા છે. મહેસાણા જિલ્લામાં ઊંઝામાં 6,998, કડીમાં 11,687, ખેરાલુમાં 2 538, જોટાણામાં 270, બેચરાજીમાં 3,749, મહેસાણામાં 7,637, વડનગરમાં 2,659, વિજાપુરમાં 7,653, વિસનગરમાં 7,422 અને સતલાસણામાં 2,168 મળી કુલ પર,781 પેન્ડીંગ છે. જે સર્વેયરો દ્વારા બાકી રહેતી જમીન માપણી અને અરજી દફતરે કરવાની કામગીરી કરાઈ રહી છે. તેમ છતાં જમીન રી-સર્વેની કામગીરીમાં ખૂબ જ વિલંબ થતો હોવાની વ્યાપક ફરિયાદો ખેડૂત વર્ગમાંથી ઉઠી છે. હડતાલ બાદ તમામ કર્મચારીઓ પેન્ડીંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સક્રિય બન્યા છે.
