ગણપત યુનિવર્સિટીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને સાયબર થ્રેટ ઈન્ટેલિજન્સ અંગે તકનીકી જ્ઞાન માટે કાર્યશાળા યોજાઈ, જેમાં નિષ્ણાતોએ પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું.

ગણપત યુનિવર્સિટીના આચાર્ય મોતીભાઈ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ્ કમ્પ્યુટર સ્ટડીઝ દ્વારા એઆઈસીટીઈ-વાણી યોજના અંતર્ગત આધુનિક ડિજિટલ સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર થ્રેટ ઇન્ટેલિજન્સ વિષયપર બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું. હિન્દી ભાષામાં યોજાયેલી આ કાર્યશાળાનો હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષા જેવા આધુનિક ટેકનોલોજી ક્ષેત્રનું તકનીકી જ્ઞાન માતૃભાષા મારફ્તે વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઉદ્યોગ ક્ષેત્રના વ્યાવસાયિકો સુધી પહોંચાડવાનો હતો. કાર્યશાળાના ઉદ્ઘાટન પ્રસંગે ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો-ચાન્સેલર તથા જોઈન્ટ પ્રેસિડેન્ટ ડૉ.મહેન્દ્ર શર્મા, ડિરેક્ટર જનરલ ડૉ.રાકેશ પટેલ તેમજ અમદાવાદની ગેટવે ગ્રુપ ઓફ કંપનીઝના ગ્રુપ સીટીઓ અને એમડી પ્રતીક મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક યુનિ.ના સાયબર સિક્યુરિટી વિભાગના વડા અને ડીન ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ વિશેષ અતિથિ તથા રિસોર્સ પર્સન તરીકે જોડાયા હતા. બે દિવસીય કાર્યશાળામાં વિવિધ કોલેજો અને ઉદ્યોગ ક્ષેત્રમાંથી કુલ 54 સહભાગીઓ જોડાયા હતા. નિષ્ણાતો દ્વારા સાયબર સુરક્ષા, નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ એસેટ્સનું રક્ષણ, સિક્યોર-બાય-ડિઝાઈન, સાયબર થ્રેટ ઈન્ટેલિઝન્સ, આઈઓટી અન એમ્બેડેડ સિસ્ટમ્સ સિક્યુરિટી, વુલનરાબિલીટી એસેસમેન્ટ, સાયબર ઈન્સીડેન્ટ રિસ્પોન્સ તથા એઆઈ આધારિત સાયબર થ્રેટ ઈન્ટેલિજન્સ જેવા વિષયો પર સૈધ્ધાંતિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમાપન સત્રમાં સહભાગીઓ પાસેથી પ્રતિસાદ મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી અને સફ્ળ ઉમેદવારોને એઆઈસીટીઈ પોર્ટલ મારફ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યશાળાના અંતે એક્ઝિક્યુટિવ ડીન ડૉ.શ્રીધરન રાજગોપાલે સમાપન સંબોધન કર્યું હતું, જ્યારે વર્કશોપ કોઓર્ડિનેટર ડૉ. નિર્ભય ચૌબેએ આભારવિધિ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો