રાજ્યની બિનસરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2011થી 2021 દરમિયાન ટેટ પાસ કરનાર દિવ્યાંગ ઉમેદવારોએ ન્યાયની માંગ સાથે શાળા કમિશ્નરની કચેરી, ગાંધીનગર ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે, 21 સપ્ટેમ્બર 2026ની સ્થિતિએ માધ્યમિક વિભાગમાં 742 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજિત 407 જેટલી દિવ્યાંગ અનામત જગ્યાઓ ખાલી પડી છે. વર્ષ 2025માં દ્વિસ્તરીય ટાટ 2023ના આધારે 1,541 જગ્યાઓ માટે દિવ્યાંગ ઝુંબેશ યોજવામાં આવી હતી. પરંતુ જૂની ટાટ પાસ કરેલા ઉમેદવારોને તેનો લાભ મળ્યો નહોતો.વર્ષ 2011 થી 2021 વચ્ચે ટાટ પાસ કરનાર ઉમેદવારોનું પરિણામ માન્ય રાખી તાત્કાલિક દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ યોજવા માંગણી કરાઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આશરે 21,000 બેકલોગ જગ્યાઓનો ઉલ્લેખ કરાયો હોવા છતાં, બી અને ડી કેટેગરી ઉપલબ્ધ ન હોવાથી તે જગ્યાઓ સી કેટેગરીના ઉમેદવારોને આપવા માંગ કરાઈ છે. લાંબા સમયથી ભરતી ન થવાને કારણે ઘણા દિવ્યાંગ ઉમેદવારો વયમર્યાદા પૂર્ણ થવાના આરે છે. એમએ અને બીએડ્ જેવી ઉચ્ચલાયકાત ધરાવતા હોવા છતાં તેઓ અન્યાયનો ભોગ બની રહ્યા છે. નિયમ મુજબ 4% દિવ્યાંગ અનામતની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો