મહેસાણાના સાર્વજનિક વિદ્યાલય સ્થિત કમળાબા હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોએ આદિવાસી સંસ્કૃતિના જતન અને દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉપસ્થિતોએ મહારાષ્ટ્ર ખાતેથી પીએમ મોદી અને છોટાઉદેપુર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ દિવસ માત્ર એક મહાન ક્રાંતિકારીની જન્મજયંતી નથી, પરંતુ દેશના મૂળનિવાસી સમાજના શૌર્ય, સ્વાભિમાન અને સંસ્કૃતિને વંદન કરવાનો અવસર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2021થી આ દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પહેલ કરવામાં આવી છે, જે આદિવાસી સમાજની આગવી ઓળખ અને માતૃભૂમિ માટેના તેના બલિદાનનું સન્માન છે. પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ અને સામૂહિક જીવન આદિવાસી સમાજ પાસેથી શીખવા જેવો શ્રોષ્ઠ પાઠ છે. વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાએ ભગવાન બિરસા મુંડાના જીવન પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, ઝારખંડના ખુંટીમાં જન્મેલા આ મહાન ક્રાંતિકારીએ માત્ર 25 વર્ષની વયે અંગ્રેજ શાસન સામે ક્રાંતિનું રણશિંગું ફૂંક્યું હતું. આદિવાસી સમાજના હકો અને જળ, જંગલ તથા જમીનની રક્ષા માટે જીવન સમર્પિત કરનાર તેમના આદર્શો સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આઝાદી બાદ લાંબા સમય સુધી આદિવાસી સમાજના યોગદાનની યોગ્ય નોંધ લેવામાં આવી નહોતી. જોકે, પીએમ મોદીએ વર્ષ 2021થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પહેલ કરી આ સમાજને વિશેષ સન્માન અપાવ્યું છે. કાર્યક્રમના પ્રારંભે અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક પી.એન. શ્રીમાળીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. શાળાના વિદ્યાર્થીઓએ ગણેશ વંદના અને આદિવાસી લોકનૃત્યો રજૂ કરી સાંસ્કૃતિક વિવિધતાની ઝાંખી કરાવી હતી. આદિવાસી સમાજની દીકરી હિમાંશી ભીલે ભગવાન બિરસા મુંડાના જીવન વિશે વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરાયું હતું અને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લોકસભા સાંસદ હરિ પટેલ, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, અગ્રણી ગીરીશ રાજગોર, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર હર્ષિલ મીણા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મનોજ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન હરસુખ ચૌધરી, બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ સહિત જનજાતિ સમુદાયના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો