મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રૂ.25 લાખનું બિલ અટકાવીને નવી 250 લારીઓનો મફ્તમાં ઉપયોગ કરવા તેમજ ભંગાર લારીઓ પાછળ પ્રતિ લારી રૂ.800નો ધુમાડો કરવા અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ પાલિકા વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અહેવાલ સામે આવતાં જ ભીંસમાં મુકાયેલા જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. કચરાની લારીના વિવાદમાં જવાબદાર પદાધિકારીઓ તરફ્થી તાત્કાલિક ધોરણે ટેલિફોનિક સૂચનાઓ જારી કરવામાં આવી હતી. પોતાની બેધારી નીતિ ઢાંકવા માટે તંત્રએ વિવાદિત બનેલી નવી 250 લારીઓનો ઉપયોગ તાબડતોબ બંધ કરાવી દીધો હતો અને ગેરેજ શાખામાં રિપેર કરાયેલી જૂની ભંગાર લારીઓ ફરી સફાઈ કામમાં જોતરવાનો આદેશ કર્યો હતો.