સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ અને આસ્થાના પ્રતીક સમાન ગિરનાર પર્વતની ગોદમાં યોજાતી ઐતિહાસિક લીલી પરિક્રમાનો આજે 20, નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. કારતક સુદ અગિયારસથી કારતક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી સુધી ચાલનારી આ પાંચ દિવસીય પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પાવન અવસરે મહેસાણા સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના વિવિધ વિસ્તારો ઉપરાંત દેશ-વિદેશમાંથી લાખો શ્રધ્ધાળુઓ ગિરનારની પાવન ધરા પર ઉમટી પડશે. પરંપરા મુજબ આવતીકાલે મધ્યરાત્રિએ ભવનાથ તળેટી ખાતેથી પરિક્રમાના પ્રવેશદ્વાર ખુલતાની સાથે જ શ્રધ્ધાળુઓની પદયાત્રાનો પ્રારંભ થશે. 24, નવેમ્બર 2026ના રોજ કારતક પૂર્ણિમા અને દેવ દિવાળીના પવિત્ર દિવસે પરિક્રમાનું સમાપન થશે. પ્રકૃતિ અને ભકિતના અનોખા સંગમ સમાન લીલી પરિક્રમાને લઈને જૂનાગઢમાં ધાર્મિક માહોલ જામશે. આશરે 36 કિલોમીટરના પરંપરાગત પરિક્રમા માર્ગમાં ભાવિકો ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યના ગાઢ જંગલોમાંથી પસાર થઈને પહાડી કેડીઓ, નદી-નાળાં અને કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તારોમાં પદયાત્રા કરશે. કઠિન અને દુર્ગમ માર્ગ હોવા છતાં શ્રધ્ધા, ભક્તિ અને અતૂટ આસ્થાના સહારે હજારો યાત્રાળુઓ દર વર્ષે આ પરિક્રમા પૂર્ણ કરે છે. લીલી પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા જ નહીં, પરંતુ પ્રકૃતિ અને પર્યાવરણ સાથે માનવીના અનોખા જોડાણનું પણ પ્રતીક છે. ગિરનારના ગાઢ જંગલો, હરિયાળી વનરાજી અને કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તિભાવથી તરબોળ યાત્રાળુઓના મુખેથી ગુંજતા જય ગિરનારીના નાદ સમગ્ર ગિરનાર પંથકને ભક્તિમય બનાવી દેશે. પરિક્રમામાં ભાગ લેનારા લાખો ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે અને યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સ્વયંસેવકો અને અન્નક્ષેત્રો દ્વારા પણ યાત્રાળુઓની સેવા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આમ, શુક્રવારથી ગિરનારની પાવન ધરા પર ભક્તિ, શ્રધ્ધા અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાન લીલી પરિક્રમાનો પ્રારંભ થતાં સમગ્ર જૂનાગઢ પંથક જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠશે અને આસ્થાના મહાકુંભમાં લાખો શ્રધ્ધાળુઓ સહભાગી બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો