ઉ.ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન નિરાશજનક રહી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ ન વરસ્યા બાદ હવે ચોમાસું સમાપ્ત થતાં ખેડૂતો પિયત માટે મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ ન થતાં દુષ્કાળ જેવી સ્થિત સર્જાવાની પુરી સંભાવના છે. ઉ.ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં 80.36% વરસાદ નોંધાયો છે. પાટણમાં 82.06%, બનાસકાંઠામાં 63.83 ટકા, વાવ-થરાદમાં 76.24%, સાબરકાંઠામાં 61.11% અને અરવલ્લી જિલ્લામાં 62.89 ટકા જ વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેડૂતો અને તંત્રની ચિંતા વધી ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં મહેસાણા જિલ્લામાં નોંધાયેલ વરસાદના આંકડા મુજબ વર્ષ-2022 માં 115.55 ટકા વરસાદ નોંધાયો હતો. વર્ષ-2023 માં 92.48 ટકા, વર્ષ-2024 માં 133.84 ટકા, વર્ષ-2025 માં 98.36 ટકા અને વર્ષ 2026 માં 80.36 ટકા વરસાદ નોંધાતાં સમગ્ર જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ, ખેડૂતોને વીજ પુરવઠો અપૂરતો મળતો હોવાથી ખેડૂતો હવે શિયાળુ પાકના વાવેતર કરવું કે નહીં તે અવઢવમાં મુકાયા છે. ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચુકી છે અને રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટયું છે. હવામાન વિભાગ અનુસાર, ઓકટોબરની શરૂઆતમાં જ ગુજતરાતમાં ચોમાસાએ વિદાય લઈ લીધી હતી, જેના કારણે વરસાદ ક્રમશઃ ઓછો થઈ ગયો છે અને વાતાવરણ સુકું બન્યું છે. 5, ઓકટોબર સુધીમાં ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઈ ચુકયું છે. ઓછા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદની અછતને લીધે ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર પર ઘણી ગંભીર અસરો જોવા મળી રહી છે. ડાંગર, કપાસ, મગફ્ળી, તલ અને બાજરી જેવા ખરીફ્ પાક પાણી વગર મુરઝાઈ રહ્યા છે, જેથી પાકની ઉપજ અને ગુણવત્તા બન્ને ઉપર અસર જોવા મળશે. બિયારણ, ખાતર અને ડીઝલનો મોંઘો ખર્ચ કર્યા પછી પાક નિષ્ફ્ળ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે અને દેવાનો બોજ વધી રહ્યો છે. ઉ.ગુજરાતમાં વરસાદ ઓછો થવાને કારણે બોરવેલ અને કૂવાના પાણીના સ્તર ઝડપથી નીચે જઈ રહ્યા છે, જેનાથી સિંચાઈની સમસ્યા વધુ વિકટ બનશે. ખેતી સાથે જોડાયેલા પશુપાલકો માટે લીલા ઘાસચારા અને પીવાના પાણીની ભારે તંગી સર્જાવાની ભિતી સેવાઈ રહી છે, જેથી દૂધ ઉત્પાદન પર પણ આગામી દિવસોમાં અસર જોવા મળશે. જમીનમાં ભેજ ન હોવાના કારણે ખેડૂતો માટે શિયાળુ પાકનું વાવેતર કરવું મુશ્કેલ બનશે. વર્તમાન વર્ષે અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે સમગ્ર પંથકના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતાં ઉભા પાક સુકાવા લાગ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, સુજલામ્ સુફલામ્ કેનાલ દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો પાક સંપૂર્ણ પણે નિષ્ફ્ળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ સિવાય પશુપાલકો માટે ઘાસચારા અને પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ શકે છે. ખેડૂત સંગઠનો દ્વારા સરકાર પાસે સર્વે કરાવીને ત્વરિત સહાય આપવાની તેમજ રાહત દરે બિયારણ અને વીજળી પૂરી પાડવાની માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો