મહેસાણામાં ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની શાળા દિશા'માં બાળકોના કૌશલ્ય વિકાસ અને સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા વોકેશનલ એક્ટિવિટી અંતર્ગત કોડિયાં (દીવડાં) તૈયાર કરવામાં આવે છે. બાળકો પોતાની મહેનત, આવડત અને સર્જનાત્મકતાથી કોડિયાં બનાવી પોતાની ક્ષમતાનો પરિચય આપી રહ્યાં છે. આ પ્રવૃત્તિ બાળકોમાં કાર્યકુશળતા અને સ્વાવલંબનની ભાવના વિકસાવવાની સાથે સમાજને પણ સકારાત્મક સંદેશ આપે છે. ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકોને તેમની ક્ષમતા અને રસ અનુસાર વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવાની તક આપવામાં આવે છે. કોડિયાં બનાવવાની પ્રવૃત્તિથી બાળકોમાં સર્જનાત્મકતા, કાર્યકુશળતા, એકાગ્રતા અને સ્વાવલંબનનો વિકાસ થાય છે. પોતાની મહેનતથી તૈયાર કરેલી વસ્તુઓ જોઈને બાળકોમાં આનંદ અને આત્મવિશ્વાસ વધે છે. આ પ્રવૃત્તિ તેમને પોતાની ક્ષમતાઓ ઓળખવા અને સમાજમાં આગવી ઓળખ ઊભી કરવા માટે પ્રેરિત કરે છે. આ દિવાળીએ આ બાળકો દ્વારા તૈયાર કરાયેલાં કોડિયાં અપનાવી તેમની મહેનતને પ્રોત્સાહન આપીએ અને તેમના જીવનમાં આત્મવિશ્વાસ તથા સ્વાવલંબનનો પ્રકાશ પ્રગટાવીએ. દિવ્યાંગ બાળકોને દયા નહીં, પરંતુ સમાન તક અને સન્માન આપીએ, એ જ સાચા અર્થમાં સશક્તિકરણ છે.
