મહેસાણા જિલ્લાના છેવાડાના વિસ્તારમાંથી ભૂલી પડેલી અને માનસિક તણાવ હાલતમાં મળી આવેલી એક પરપ્રાંતીય યુવતીનું '181 અભયમ્' અને 'સખી વન સ્ટોપ સેન્ટર'ની સરાહનીય કામગીરીથી પરિવાર સાથે પુનઃમિલન થયું હતું. યુવતી પાસેથી મળેલા અધૂરા મોબાઈલ નંબરના આધારે સેન્ટરની ટીમે અપનાવેલી અનોખી સૂઝબૂઝથી વિખૂટી પડેલી દીકરી ફરી માતા-પિતાની છત્રછાયામાં પહોંચી શકી હતી.

મહેસાણા શહેરના છેવાડાના વિસ્તારમાં એક યુવતી અજાણ્યા રસ્તે ભૂલી પડેલી જોવા મળતાં જાગૃત નાગરિકોએ 181 મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. 181ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવતીને સુરક્ષિત રીતે પોતાની સાથે લીધી હતી. ત્યારબાદ આશ્રય અને કાઉન્સેલિંગ માટે તેને મહેસાણા સ્થિત 'સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે લાવવામાં આવી હતી.

સેન્ટર ખાતે પૂછપરછ દરમિયાન યુવતીની ભાષા સ્પષ્ટ સમજાતી ન હોવાથી તે પરપ્રાંતની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. સેન્ટરનાં સંચાલક પુષ્પાબેન અને કાઉન્સેલરોએ યુવતીને હૂંફ્ આપી શાંતિપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું. લાંબા પ્રયત્નો અને આત્મીયતાભર્યા સંવાદ બાદ યુવતી પાસેથી પરિવારનો માત્ર આઠ આંકડાનો અધૂરો મોબાઈલ નંબર જાણવા મળ્યો હતો. દસ આંકડાના મોબાઈલ નંબરમાંથી છેલ્લા બે અંક ખૂટતા હોવાથી પરિવારનો સંપર્ક કરવો પડકારજનક હતો.

જોકે, હાર માન્યા વગર સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે સૂઝબૂઝ વાપરી આઠ આંકડાના નંબર પાછળ ક્રમશઃ 01થી 99 સુધીના અંકો જોડીને ફોન લગાવવાનું શરૂ કર્યું હતું. ટીમની અથાગ મહેનત રંગ લાવી હતી અને આખરે એક નંબર પર યુવતીના બનેવીનો સંપર્ક થયો હતો.

બનેવી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, યુવતી મૂળ છત્તીસગઢની વતની છે અને તેના માતા-પિતા હાલ રોજીરોટી માટે અમદાવાદમાં મજૂરી કામ કરે છે. સેન્ટરની ટીમે તાત્કાલિક અમદાવાદ ખાતે રહેતા તેના માતા-પિતાનો સંપર્ક કરી સમગ્ર હકીકતથી વાકેફ્ કર્યા હતા. દીકરી હેમખેમ હોવાના સમાચાર મળતાં જ પરિવારજનો મહેસાણા દોડી આવ્યા હતા. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સખી વન સ્ટોપ સેન્ટરે યુવતીનું માતા-પિતા સાથે પુનઃમિલન કરાવ્યું હતું. લાંબા સમય બાદ ગુમ થયેલી દીકરીને હેમખેમ જોઈ પરિવારજનોના ચહેરા પર ખુશી છલકાઈ ઊઠી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો