મહેસાણા જિલ્લામાં ઓએનજીસી સંબંધિત ખેડૂતોના પડતર પ્રશ્નો અને રજૂઆતોનો યોગ્ય નિકાલ લાવવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મંગળવારના રોજ કલેક્ટર કચેરી ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોતાના પ્રશ્નો અને રજૂઆતો લઈને આવેલા ખેડૂતોને કલાકો સુધી રાહ જોવા છતાં કોઈ નક્કર નિરાકરણ ન મળતાં ભારે નારાજગી સાથે પરત ફરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ર્ડા.હર્ષિત ગોસાવીએ ઓએનજીસીના એસેટ મેનેજરને નોટિસ આપવા માટે અધિક કલેક્ટરને સૂચના આપી હતી. તા. 27.8.2025ના રોજ યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન ઓએનજીસી મહેસાણા સંબંધિત અરજદારો દ્વારા વિવિધ પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે સંબંધિત પક્ષકારો તેમજ ઓએનજીસીના સક્ષમ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા અને સમીક્ષા બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઓએનજીસી મહેસાણા અને અમદાવાદના એસેટ મેનેજર, સ્પેશિયલ લેન્ડ એક્વિઝિશન ઓફ્સિર સહિત સંબંધિત અધિકારીઓને તમામ પ્રશ્નોના સંપૂર્ણ રેકોર્ડ, મુદ્દાવાર અહેવાલ અને જરૂરી વિગતો સાથે હાજર રહેવા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ, કલેક્ટરના આદેશ બાદ પણ ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતાં અને રજૂઆતોનો સંતોષકારક જવાબ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોના આ પ્રશ્નો પ્રત્યે ઓએનજીસીના અધિકારીઓની ઉદાસીનતા સામે પણ સવાલો ઊભા થયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ લાંબા સમયથી વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો અને સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો