આગામી શિયાળુ સિઝનમાં પાક વાવેતરની તૈયારીઓ કરી રહેલા રાજ્યના ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં છેતરપિંડીથી બચવા ખેતી નિયામક કચેરી દ્વારા ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોને ખેતી માટે જરૂરી તમામ ચીજવસ્તુઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા નોંધાયેલા ખાનગી વિક્રેતાઓ પાસેથી જકરવા જણાવાયું છે. ખેડૂતોએ કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ન ધરાવતી વ્યક્તિઓ, પેઢીઓ, ફેરિયાઓ અથવા શંકાસ્પદ તત્વો પાસેથી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરવી નહીં. આવી બિનઅધિકૃત ખરીદીના કારણે ખેડૂતો છેતરપિંડીનો ભોગ બની શકે છે તેમજ નકલી કે હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ મળવાની શક્યતા રહે છે. વધુમાં, ખરીદી કરતી વખતે વેપારી પાસેથી પાકું બિલ મેળવવું અત્યંત જરૂરી છે. બિલમાં વેપારીનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલી વસ્તુનું નામ, લોટ નંબર સહિતની તમામ જરૂરી વિગતો દર્શાવેલી હોવી જોઈએ. આ ઉપરાંત વેપારીની સહી સાથેનું બિલ અવશ્ય મેળવીને પોતાની પાસે સાચવી રાખવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ ફરિયાદ કે મુશ્કેલી ઊભી થાય તો પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકાય. ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદતી વખતે તેની ગુણવત્તા, પેકિંગ અને ઉપયોગની મુદત પણ ખાસ તપાસવી જોઈએ. મુદત પૂરી થઈ ગયેલી ચીજવસ્તુઓની ખરીદી કે તેનો વાવેતર અને ખેતીમાં ઉપયોગ કોઈપણ સંજોગોમાં કરવો નહીં. સાથે જ ખેતી નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો યોગ્ય જથ્થામાં ઉપયોગ કરવો હિતાવહ છે. જો કોઈ સ્થળે અધિકૃત અથવા પ્રચલિત નામને મળતાં આવતાં અમાન્ય કે નકલી બિયારણ, ખાતર અથવા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે, તો ખેડૂતોએ તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને જાણ કરવી જોઈએ. આમ, શિયાળુ સિઝનમાં ખેડૂતો નકલી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની છેતરપિંડીથી બચી શકે અને તેમની મહેનત તથા આર્થિક નુકસાન અટકાવી શકે તે માટે ખરીદી સમયે પૂરતી તકેદારી રાખવી જરૂરી હોવાનું ખેતી નિયામક કચેરી દ્વારા જણાવાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો