મહેસાણામાં શોર્ટ સર્કિટના કારણે એક સેન્ટ્રો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી ત્વરિત આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, રાધનપુર રોડ પર આવેલ કમલ પથ પર કારમાં આગ લાગી હતું. જેમાં શુભ રેસિડેન્સી ખાતે રહેતા પંકજકુમાર ગોવિંદભાઈ પટેલે આ સેન્ટ્રો કાર (નંબરGJ-01-KS-3439)માં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે એિન્જન અને બોનેટના ભાગે આગ લાગી હોવાની જાણ થઈ હતી. જોતજોતામાં કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. બનાવ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કોલ મળતાં જ મહેસાણા મનપાની ફાયર શાખાની ટીમ ફાયર ફાઈટર સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે હોઝરીલ વડે પાણીનો મારો ચલાવી થોડી જ વારમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.
