ચુંવાળ અને વઢિયાર પંથકના મુખ્ય વેપારી મથક તરીકે ઓળખાતા બહુચરાજીમાં દિવાળીના પર્વને લઈને બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે. ધનતેરસથી લઈને કાળી ચૌદશ સુધી દિવાળીની ખરીદી માટે બજારોમાં માનવ મહેરામણ ઊમટતાં સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. આસપાસનાં 50થી વધુ ગામોના લોકો સવારથી જ ખરીદી માટે બહુચરાજી પહોંચતાં બજારોમાં દિવસભર ભારે ભીડ જોવા મળી હતી. બહુચરાજીની ઉપલી બજાર, નીચલી બજાર, પાલખીપથ, સ્ટેશન ચોક અને હાઈવે બજાર સહિતના મુખ્ય વિસ્તારોમાં ગ્રાહકોની સતત અવરજવર જોવા મળી હતી. દિવાળીના પર્વને આવકારવા લોકોએ મીઠાઈ, ફરસાણ, કરિયાણું, નવા કપડાં, ફ્ટાકડા, રંગોળીની સામગ્રી, દીવા, પૂજાપાની ચીજવસ્તુઓ તેમજ ઘર સજાવટની વસ્તુઓની ખરીદી કરી હતી. ખાસ કરીને મીઠાઈ અને ફરસાણની દુકાનો ઉપરાંત કપડાં તથા ફ્ટાકડાના વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીના પર્વને લઈને બજારોમાં ખરીદીનો ઉત્સાહ માત્ર શહેરીજનો પૂરતો સીમિત રહ્યો ન હતો, પરંતુ ચુંવાળ અને વઢિયાર પંથકનાં અંતરિયાળ ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ખરીદી કરવા બહુચરાજી પહોંચ્યા હતા. વર્ષોથી આસપાસનાં ગામડાંઓ માટે બહુચરાજી મુખ્ય ખરીદી કેન્દ્ર રહ્યું હોવાથી તહેવારોના દિવસોમાં અહીંના વેપારધંધામાં વિશેષ તેજી જોવા મળે છે. ગ્રાહકોની વધતી અવરજવરથી સ્થાનિક વેપારીઓમાં પણ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ્, મોટી સંખ્યામાં લોકો પોતાનાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો લઈને ખરીદી માટે આવતા બજાર વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા પણ ગંભીર બની હતી. અનેક સ્થળોએ વાહનો આડેધડ પાર્ક થતાં ટ્રાફ્કિની અવરજવરને અસર પહોંચી હતી અને કેટલાક વિસ્તારોમાં ટ્રાફ્કિજામની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ખરીદી કરવા આવેલા લોકોને તેમજ સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો