વિસનગર-ખેરાલુ હાઈવે પર સુંઢિયા ગામની આંબાવાડી નજીક પુરઝડપે આવતી ફોર્ચ્યુનર કારે બાઈકને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પોલીસ ફરિયાદ મુજબ, ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના રહેવાસી મુકેશભાઈ લક્ષ્મણભાઈ સથવારા (ઉં.વ. 47) અને તેમનાં પત્ની સરોજબેન (ઉં.વ. 45) બપોરના સમયે મોટરસાઈકલ (નં.GJ-02-HE-7333) પર વિસનગર ખાતે સસરાની ખબરઅંતર પૂછવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન સુંઢિયા આંબાવાડી નજીક પાછળથી પુરઝડપે અને ગફ્લતભરી રીતે આવી રહેલી સફેદ રંગની ફોર્ચ્યુનર કાર (નં.GJ-16-BG-6852)ના ચાલકે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્મામાં મુકેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પાછળ બેઠેલાં સરોજબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને બેભાન અવસ્થામાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં.

અકસ્મા બાદ ફોર્ચ્યુનર કાર ઘટનાસ્થળથી આશરે 500 મીટર દૂર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. કારચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા મનુભાઈ રેવાભાઈ સથવારાએ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ઓનલાઈન એપ મારફ્તે કારનો નંબર વેરિફાઈ કરતાં નંબર સાચો હોવાનું જણાયું હતું, પરંતુ કારમાલિકનું નામ કે તેની અન્ય વિગતો મેળવવામાં સફ્ળતા મળી નહોતી. આથી પોલીસે આરટીઓ પાસે વાહન અંગેની વધુ વિગતો માગી છે.

બીજી તરફ્, અકસ્માત સર્જનાર કારમાં દારૂ ભરેલો હોવાથી રસ્તા પર હાજર લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. દારૂની હેરાફેરીના મામલે ખેરાલુ પોલીસે વાહન અને તેમાં રહેલો થોડો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ કારચાલક વિરુદ્ધઅલગથી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો