મહેસાણા જિલ્લામાં લેન્ડ રેકોર્ડ્ઝ વર્ગ-3 કર્મચારી મંડળની હડતાળ બાદ 1,421 અરજીઓનો જ નિકાલ કરવામાં આવ્યો છે. જયારે 46,120 અરજીઓ હજુ પેન્ડીંગ છે. સૌથી વધુ કડી તાલુકામાં 10,165 અરજીઓ પેન્ડીંગ છે. ઊંઝામાં 6,150, ખેરાલુમાં 2,254, બેચરાજીમાં 3,068, મહેસાણામાં 7,284, વડનગરમાં 2,286, વિજાપુરમાં 6,722, વિસનગરમાં 6,349,સતલાસણામાં 1,842 અરજીઓનો હજુ નિકાલ કરવાનો બાકી છે. જયારે જોટાણા તાલુકામાં એક પણ અરજી પેન્ડીંગ નથી. સર્વેયરો દ્વારા બાકી રહેતી જમીન માપણી અને અરજી દફતરે કરવાની કામગીરી કરાઈ રહી છે. તેમ છતાં જમીન રી-સર્વેની કામગીરીમાં ખૂબ જ વિલંબ થતો હોવાની વ્યાપક ફરિયાદો ખેડૂત વર્ગમાંથી ઉઠી છે. હડતાલ બાદ તમામ કર્મચારીઓ પેન્ડીંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સક્રિય બન્યા છે. મહેસાણા જિલ્લામાં જમીન રી-સર્વેના પ્રમોલગેશનમાં અનેક ખામીઓ સામે આવ્યા બાદ રી-સર્વે માટે જિલ્લાની લેન્ડ રેકર્ડ કચેરીમાં અરજીઓનો મારો થયો છે. હડતાળ બાદ મહેસાણા તાલુકામાં સૌથી વધુ 356 અરજીઓનો નિકાલ કરાયો છે. જયારે સૌથી ઓછી ઊંઝા તાલુકામાં 36 જ અરજીઓનો નિકાલ કરાયો છે. જિલ્લામાં કુલ 22,182 અરજીઓની માપણી કરવાની હજુ બાકી છે. જયારે 23189 અરજીઓ એમટીઆર પાસે બાકી છે. ઊંઝામાં 4,959, કડીમાં 2,101, ખેરાલુમાં 2,229, બેચરાજીમાં 3,065, મહેસાણામાં 2,179, વડનગરમાં 232 , વિજાપુરમાં 3,570, વિસનગરમાં 3,264 અને સતલાસણામાં 583 અરજીઓની હજુ માપણી બાકી છે. છેલ્લા દસ દિવસમાં માત્ર 449 અરજીઓનો જ નિકાલ કરાયો છે. મહેસાણા જિલ્લામાં 11 નવી કચેરીઓ શરૂ કરવામાં આવી હોવા છતાં કામગીરીમાં વિલંબ થતાં ખેડૂતોને જમીન માપણી, રી-સર્વે માટે કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો