મહેસાણાના મોઢેરા ચોકડીથી મોઢેરા ગામ તરફ્ જતા મુખ્ય માર્ગ પર સતત વધતા જતા ટ્રાફ્કિ અને ગેરકાયદેસર દબાણોની ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ વિસ્તારને નો વેન્ડિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મયંક આર.પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ મોઢેરા ચાર રસ્તાથી નુગર રોડ ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ સુધી તેમજ મોઢેરા ચોકડી તરફ્ આવતો રોડ પૂજન કોમ્પ્લેક્ષથી મોઢેરા સર્કલ સુધીના માર્ગ પર કોઈપણ પ્રકારની લારી-ગલ્લા કે પાથરણા ઊભા રાખી શકાશે નહીં. આ પ્રતિબંધિત હુકમ તા.22.9.2026 થી તા.21.12.2026 સુધી 90 દિવસ માટે અમલમાં રહેશે.

મહેસાણા મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તમાં જણાવાયું હતું કે, મોઢેરા ચોકડીથી મોઢેરા તરફ્ જતો રસ્તો અત્યંત વ્યસ્ત રહે છે. રસ્તાની બંને બાજુ ગેરકાયદેસર લારી-ગલ્લા અને પાથરણાવાળાના દબાણને કારણે માર્ગ સાંકડો થઈ જાય છે અને કલાકો સુધી ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાય છે. જાહેર સુખાકારી અને કાયદો-વ્યવસ્થા જાળવવામાટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ ગુનો નોંધી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કે તેથી ઉચ્ચ હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો